જી હા. કુબેર એટલે કે કુબેર ભંડારી શિવના પરમ પ્રિય સખા હતા. ઋષિ વિશ્રવાના સૌથી મોટા પુત્ર કુબેર રાવણના સાવકા ભાઈ હતા. શિવ કૃપાથી તેઓ લંકાના ગાદીપતિ હતા. તેમની પાસે પુષ્પક વિમાન હતું.
એક વખત રાવણે તેના દાદા પુલત્સ્યને પૂછયું કે “હું ગાદીપતિ કેમ ના બની શકું ? ત્યારે પુલતસ્યે રાવણને કહ્યું કે ” જે મોટો હોય તે ગાદીપતિ બને” તેથી રાવણ તેમના કુળગુરુ પાસે ગયો. રાવણ તેના ગુરુને જન્મકુંડળી બતાવવા ગયો અને કહ્યું કે હે ગુરુજી ! મારે વિશ્વવિજેતા બનવું છે, મારે લંકાના ગાદીપતિ બનવું છે તો મારી કુંડળી અનુસાર એ શક્ય છે ? ગુરુજી કુંડળીનું અવલોકન કરીને કહે છે તુલા લગ્નમાં શનિ+ચંદ્રનો વિષયોગ થાય છે તેથી આ શકય નથી પણ જો તારે વિશ્વવિજેતા બનવું જ હોય તો મહાદેવજીની ઉપાસના કરવી પડે.
ગુરુજીના આદેશ મુજબ રાવણે કેટલાય વર્ષો સુધી ખૂબ જ કઠિનમાં કઠિન તપશ્ચર્યા કરી તેથી શિવ પ્રસન્ન થયા અને રાવણને તેની ઈચ્છા મુજબના વરદાનો આપ્યા. વરદાન મેળવીને રાવણે કુબેર પર હુમલો કરીને તેને લંકાની ગાદી પરથી હટાવીને પોતે ગાદીપતિ થઈ ગયો. રાવણે કુબેરનું પુષ્પક વિમાન પણ જીતી લીધું. છતાંય રાવણને કુબેરને મૃત્યુદંડ આપવો હતો તેથી કુબેર તેનાથી ભયભીત રહેતો હતો.
લંકાની ગાદી છોડયા બાદ કુબેરે ગુજરાતના ચાણોદ કરનાળી પ્રદેશમાં નર્મદાના કિનારે આવીને શિવનું તપ કર્યું. શિવ પ્રસન્ન થયા ત્યારે કુબેરે શિવજીને કહ્યું કે આપ રાવણથી મારી રક્ષા કરો. તે સંતાપ કરવા લાગ્યો કે રાવણે તેનું સમગ્ર રાજપાઠ પડાવી લઈને અન્યાય કર્યો છે. તેણે શિવ સમક્ષ પોતાની વ્યથા ઠાલવી ત્યારે શિવજીએ કુબેરને ઘન કુબેર બનાવ્યો. તેને સ્વર્ગનું ધન સંગ્રહ કરવાની જવાબદારી સોંપી. તેને યક્ષમાં સ્થાન આપવામાં આવ્યું. ત્યારબાદ શિવ બોલ્યા કે હે કુબેર ! તું પણ મારો ભક્ત છે અને રાવણ પણ મારો ભક્ત છે તેથી તું અંબિકા દેવીનું તપ કર.તે તારી રક્ષા કરશે.
શિવના આદેશ મુજબ કુબેરે ઉત્તર દિશામાં બેસીને અંબિકા દેવીની તપસ્યા કરી. અંબિકા દેવીએ પ્રસન્ન થઈને કુબેરની રક્ષા કરવાનું વચન આપ્યું અને અંબિકા દેવી દક્ષિણ દિશામાં લંકા તરફ મુખ રહે તેમ કુબેરની રક્ષા કરવા માટે બિરાજમાન થયા. ત્યારપછી રાવણ કયારેય કુબેરને શોધવા કે મારવા આવ્યો નથી.
આજે પણ ચાણોદ કરનાળી પાસે કુબેરે સ્થપિત કરેલું શિવલિંગ કુબેરેશ્વર શિવલિંગ તરીકે પૂજાય છે. ત્યાં અંબાજી માતાનું મંદિર પણ છે. જે કોઈ ભક્ત અહીં દર્શનાર્થે આવે છે તે ભક્તના કુબેરની કૃપાથી ભંડારો ભરેલા રહે છે.
શાસ્ત્રોમાં વર્ણન મુજબ કુબેર અવારનવાર કૈલાસ જઈને શિવ સાથે બેસતો. શિવને કુબેર ખૂબ પ્રિય હતો. શિવ કુબેરને પોતાના પ્રિય સખા (મિત્ર ) ગણતા હતા.
એક વખત કુબેરને પોતાની પાસે જે ધન સંપત્તિ છે તેનું મિથ્યા અભિમાન ચડી ગયું અને તે કૈલાસ આવીને શિવ પાસે તેની પાસે છે તે ધનનો અહંકાર કરવા લાગ્યો જે ધન ખરેખર શિવજીએ જ આપ્યું હતું. કુબેરના અહંકારને ઉતારવા માટે શિવે પોતાના ચરણ પાસે પ્રગટી રહેલા ધૂણામાંથી ચપટી ભભૂત લીધી અને તેને જમીન પર ખંખેરી જેમાં શિવજીએ કુબેરને એના ખજાનો પણ ઓછો પડે તેટલો બધો ખજાનો બતાવ્યો. કુબેર આ જોઈને આશ્ચર્ય પામ્યો અને અંતે તેણે નતમસ્તક થઈને શિવની માફી માંગી.
“ચપટી ભભૂત મેં હે ખજાના કુબેર કા”.
વિષ્ણુ ભગવાને તિરુપતિ અવતારમાં પદ્યાવતી (લક્ષ્મીજી) સાથે લગ્ન કરવા માટે કુબેર પાસેથી લોન લીધી હતી. આ લોન કળિયુગના અંતમાં પૂરી થશે તેમ વિષ્ણુ પુરાણમાં શબ્દશ:વર્ણન છે.
વિષ્ણુ ભગવાનના ભક્તો વિષ્ણુ ભગવાન (તિરૂપતિ) ની લોન પૂરી થાય તે માટે ત્યાં શક્તિ મુજબ ધન, સોના-ચાંદી ઝવેરાત જે કંઈ શક્તિ હોય ત્યાં કોઠીમાં નાંખતા હોય છે. આ ધનનો સંગ્રહ તિરૂપતિ મંદિર કરે છે. તે કયાંય ઉપયોગમાં લેવાતું નથી.
મેં શ્રીમદ્ ભગવદ ગીતા ઘણી વાર વાંચી છે. તેમાં શ્રી કૃષ્ણ અર્જુનને દસમા અધ્યાયના ત્રેવીસમાં શ્લોકમાં કહે છે કે રૂદ્રોમાં હું શંકર છું, યક્ષ અને રાક્ષસોમાં હું કુબેર છું, વસુઓમાં પાવક નામનો વસુ હું છું અને પર્વતોમાં મેરું હું છું.
ભગવાન કુબેર ઉત્તર દિશામાં બિરાજમાન હોવાથી તમારે તમારી ઘરની કે દુકાનની તિજોરી દક્ષિણ દિશામાં રાખવાની હોં ને ! તિજોરીના બારણા ઉત્તર દિશામાં ખૂલે અને તેમાં કુબેરની દષ્ટિ પડે તે મુજબ તિજોરી રાખવી તો તમારા ધનના ભંડારો હંમેશા ભરેલા અને ભરેલા રહેશે.
ચાણોદ કરનાળી શ્રી કુબેર ભંડારી મંદિર છે ત્યાં અમાસ ભરવાથી સર્વ મનોકામના પૂર્ણ થાય છે. ત્યાં અમાસના દિવસે ભકતોનો માનવ મહેરામણ ઉમટી પડે છે. કુબેરી ભંડારી જાઓ તો ત્યાંથી અક્ષત (ચોખા) લઈ આવાના. આ ચોખા તમારી તિજોરીના લોકરમાં મૂકવાના. અનાજના પીપડામાં મૂકવાના. શિવની અને કુબેરની કૃપાથી તમારા ધનના અને અન્નના ભંડારો ભરેલા રહેશે.
હર હર મહાદેવ.
જય બહુચર માં.