શિવમહાપુરાણમાં ઉમાસંહિતા નામનો ખંડ છે જેમાં શ્રી કૃષ્ણ શ્રેષ્ઠ સંતાનની પ્રાપ્તિ માટે શિવની તપસ્યા કરે છે તેમ વર્ણન છે.
શિવમહાપુરાણમાં વર્ણન છે કે શ્રી કૃષ્ણ શ્રેષ્ઠ સંતાનની પ્રાપ્તિ માટે હિમવન પર્વત પર જઈને મહર્ષિ ઉપમન્યુને મળે છે અને તેમની દર્શાવેલી પદ્ધતિ અનુસાર શિવની તપસ્યા કરે છે.
ભગવાન શિવ શ્રી કૃષ્ણની તપસ્યાથી સંતુષ્ટ થઈને ઉમાસહિત પુત્રો કાર્તિકેય અને ગણેશ સાથે ત્યાં પ્રગટ થાય છે અને શ્રી કૃષ્ણને ઈચ્છિત વરદાન માંગવાનું કહે છે. શ્રી કૃષ્ણ પોતાની ઈચ્છા મુજબ શ્રેષ્ઠ સંતાન પ્રાપ્તિનું શિવ પાસે વરદાન માંગે છે.
ત્યારે ભગવાન શિવ કહે છે હે માધવ ! તમને સામ્બ નામે પ્રસિદ્ધ એક મહાપરાક્રમી બળવાન પુત્ર થશે.એક સમયે મુનિઓએ સંવર્તક સૂર્યને શ્રાપ આપ્યો હતો કે “તમને મનુષ્ય યોનિ પ્રાપ્ત થશે”. તેથી તે સંવર્તક સૂર્ય જ તમારો પુત્ર થશે. આ સિવાય પણ બીજુ તમે જે ઈચ્છો તે મેળવો.
આમ શ્રી કૃષ્ણ શિવ પાસેથી ઉત્તમ વરદાનો પ્રાપ્ત કરીને સંતુષ્ટ થયા ત્યારે જ ઉમાદેવી (પાર્વતી) બોલ્યા કે હે વાસુદેવ ! હું પણ તમારી ભક્તિથી સંતુષ્ટ છું. તમે પણ મારી પાસેથી ઇચ્છિત વરદાન માંગો.
શ્રી કૃષ્ણ ઉમાદેવીને કહે છે કે હે દેવી ! જો આપ મારા તપથી સંતુષ્ટ છો અને વરદાન આપી જ રહ્યા છો તો હું એમ ઈચ્છું છું કે મારા મનમાં બ્રાહ્મણો પ્રત્યે કયારેય દ્વેષ ના થાય, હું સદાય દ્વિજો (બ્રાહ્મણો) નું પૂજન કરતો રહું. મારા માતા-પિતા મારાથી સદાય મારાથી સંતુષ્ટ રહે. હું કયાંય પણ જઉં સમસ્ત પ્રાણીઓ પ્રતિ મારા મનમાં અનુકૂળ ભાવ રહે. આપના દર્શનના પ્રભાવથી મારી સંતતિ ઉત્તમ રહે. હું સેંકડો યજ્ઞો કરીને ઈન્દ્ર વગેરે દેવતાઓને તૃપ્ત કરું. હજારો સાધુ-સંતોને અને સંન્યાસીઓને સદાય મારા ઘરે પવિત્ર અન્નનું પૂર્ણ શ્રદ્ધાથી ભોજન કરાવું.ભાઈ બંધુઓ સાથે નિત્ય મારો પ્રેમ રહે અને હું સદાય સંતુષ્ટ રહું.
શ્રી કૃષ્ણના આવા મનોવાંછિત વચનો સાંભળીને પાર્વતી દેવી બોલ્યા કે હે વાસુદેવ ! તેમ જ થશે. તમારું સદાય કલ્યાણ થાઓ”. આમ વરદાન આપી ઉમાદેવી શિવ સાથે અંતરધ્યાન થયા.
શ્રી કૃષ્ણ તમામ વરદાનો મેળવીને સંતુષ્ટ થઈને મહર્ષિ ઉપમન્યુને મળ્યા અને તેમને પ્રણામ કરીને તમામ વરદાનો મેળવ્યાના સમાચાર કહ્યા.
મહર્ષિ ઉપમન્યુએ શ્રી કૃષ્ણને કહ્યું કે હે કેશવ ! સંસારમાં ભગવાન શિવ સિવાય બીજો કોણ મહાદાની ઈશ્વર છે ? હે કૃષ્ણ ! તેમના ક્રોધ સમયે કોનું દુ:સાહસ થઈ શકે છે ? હે ગોવિંદ ! દાન, તપ, શૌર્ય તથા સ્થિરતામાં શિવથી અધિક કોઈ નથી તેથી આપ સદાય શિવનું શ્રવણ કરતા રહો.
આમ મહર્ષિ ઉપમન્યુ દ્વારા શ્રી કૃષ્ણ શિવનો મહિમા સાંભળ્યા બાદ મહર્ષિને વંદન કરીને શિવનું સ્મરણ કરતા કરતા દ્વારકાપુરી ચાલ્યા ગયા.
જેને પરમપિતા પરમેશ્વર શિવ પ્રત્યે પૂરી શ્રદ્ધા છે તે આ લેખ કદાચ વાંચી પણ લે ને તોય તેને શ્રેષ્ઠ સંતાનની પ્રાપ્તિ થાય છે.
હર હર મહાદેવ.
જય બહુચર માઁ.