આપણે સવારે ઉઠીએ ત્યારે ફ્રેશ થવા માટે ટોઈલેટ જઈએ છે, બ્રશ કરીએ છે, ન્હાઈ છે,ન્હાયા પછી સારા કપડા પહેરીએ છે, બ્રેક ફાસ્ટ કરીએ છે, ઓફિસ જઈએ છે, ઓફિસે જઈને કામ કરીએ છે, બપોરે લંચ કરીએ છે, ચાર વાગે ચાની ચૂસકી મારીએ છે, રાત્રે ઓફિસથી ઘરે આવીને ડિનર કરીને સૂઈ જઈએ છે પછી બીજા દિવસે એ જ રીપીટ જિંદગી……
ઉપર લખેલી બધી જ ક્રિયા એ દૈનિક ક્રિયાનો એક ભાગ છે તેવી જ રીતે રોજ સવારે ઉઠીને ન્હાઈને ઘરના મંદિર પાસે ઓછામાં ઓછી દસ મિનિટ એક ચિત્તે બેસી પૂજા-પાઠ કરવા, મહાદેવ જઈને લોટો જળ ચડાવવું એને આપણે આપણી દૈનિક ક્રિયાનો ભાગ ના બનાવી શકીએ ? ઈચ્છાશક્તિ હોય તો જરૂર બનાવી શકીએ છે.
ઓફિસ જવામાં લેટ થઈ જાય છે એવો પ્રશ્ન ત્યારે નથી ઉદભવતો જયારે એમ કહેવામાં આવે છે કે ટોઈલેટ નહી જાય તો નહી ચાલે ?. ત્યાં તો જવું જ પડે ને ! એક તર્કશીલ વાત સમજાવું કે સવારે જેમ આપણે આપણા શરીરનો બધો જ બગાડ કાઢીને ફ્રેશ થઈ જઈએ છે તેમ સવારે કરવામાં આવતા પૂજા-પાઠથી મગજની અંદર રહેલા તમામ નકારાત્મક વિચારોનો ડેટા ડીલીટ થઈ જાય છે અને આપણને પોઝિટિવ એનર્જી પ્રાપ્ત થાય છે.
હમણા વચ્ચે કેટલાક મહાનુભાવો મને મળ્યા હતા “મને કહે અમે આવા પૂજા-પાઠ વાળા ધર્મમાં નથી માનતા, અમે કર્મમાં માનીએ છે પછી મેં તે લોકોને કહ્યું કે કયું કર્મ સારું અને કયું કર્મ ખરાબ એ તમને ખબર કયાંથી પડી ? તે લોકોએ મારી સામે ચુપકીદી સાધી પછી મેં કહ્યું સારા-ખોટા કર્મની માહિતી તો તમને “ધર્મ” એ જ આપી ને ! નહીતર તમે દારૂ પીવાને પણ સારું કર્મ ગણતા તેથી ધર્મ જ મૂળ છે જેની ઈશ્વરે કર્મ પહેલા રચના કરી છે.પહેલા ધર્મ આવ્યો પછી કર્મ…
છતાં પણ જો એ લોકો કર્મ કરવાને જ ધર્મ સમજતા હોય તો તેમને સ્વીકારી શકાય કારણકે ઈશ્વર પોતે એવું ઈચ્છતો હોય છે કે તેના હિસ્સાનું કામ તમે કરી લો. ના સમજયા ? ચલો સમજાવું.
તમે રોજ સવારે પક્ષીઓને ચણ નાખો છો, ગાયને ઘાસ ખવડાવો છો, કૂતરાને રોટલી આપો છો, કોઈ ગરીબને અન્ન તથા વસ્ત્ર આપો છો કે અન્યની મદદ કરો છો તો તમારા રોજ થતા આ શુભ કર્મો એ ધર્મ કર્યા બરોબર છે.
તમારાથી ધર્મ ના કરી શકાય એવો સમય ના હોય તો રોજ આવું શુભ કર્મ કરીને તેને પણ દૈનિક ક્રિયાનો ભાગ બનાવી શકો છો પરંતુ તમે તમારા કર્મના અડગ માર્ગ પર ચાલીને ધર્મની નિંદા કે ટીખળી કરો તો તમારું કરેલું બધુ જ કર્મ શૂન્ય છે.
જયારે આ બધા કર્મો તમારી દૈનિક ક્રિયાનો ભાગ બની જાય છે ત્યારે ઈશ્વરની એક જવાબદારી તમે રોજ તમારા માથે ઉપાડો છો કારણકે તેણે રોજ કીડીને કણ અને હાથીને મણ આપવાનું હોય છે.તમે જાણો છો એમ આ પૃથ્વી પરના તમામ જીવો એના બનાવેલા છે તેથી કોઈને તે ભૂખ્યો સૂવાડતો નથી.આમ ધર્મ કરનારે કર્મ કરનારને ના રોકવા અને કર્મ કરનારે ધર્મ કરનારને ના રોકવા.બંને ઈશ્વરની યેન કેન પ્રકારે પૂજા કરી રહ્યા છે.
કર્મ કરનારના મનમાં એક પ્રશ્ન ઉદભવશે કે અમે તો ઈશ્વરની જવાબદારી ઉપાડી રહ્યા છે તો ધર્મ કરનાર શું ઈશ્વર પાસેથી બધુ માંગી જ રહ્યા છે ? ના એવું નથી પણ ધર્મ કરનાર પોતાના પૂજા-પાઠ અને ભક્તિભાવથી ઈશ્વરની આરાધના કરે છે.આરાધના કરવાથી તેના ઉત્કર્ષની સાથે તેના કુટુંબ. પરિવારનું, સમાજનું, દેશનું અને સમગ્ર જગતનું કલ્યાણ થાય છે.
ધર્મ કરનાર ભક્તિભાવથી પોતે ઈશ્વરની સમીપ જઈને ઘણો બધો હકારાત્મક થાય છે. હકારાત્મક વ્યકિતના મનમાં હકારાત્મક વિચારોનું ઉત્પાદન થાય છે. તે ચારે બાજુ સમાજને ખુશીઓ વહેંચે છે, કોઈને નડતો નથી. તેના ધાર્મિકપણાથી અન્ય લોકો તેનું અનુકરણ કરીને ધર્મ પ્રત્યે આકર્ષાય છે. તે યેન કેન પ્રકારે ધર્મનો પ્રચાર પ્રસાર કરે છે,ધર્મથી ચારે બાજુ વાતાવારણમાં હકારાત્મકતા ફેલાય છે, તે ધાર્મિક માણસ અનેક પ્રકારના શુભ કર્મો કરવા પ્રેરાય છે, તે ધર્મનું રક્ષણ કરે છે તેના બદલામાં ધર્મ તેનું, સમાજનું અને સમગ્ર દેશનું રક્ષણ કરે છે. ( ધર્મ રક્ષતિ રક્ષિત : ).
આપણે ધર્મ અને કર્મ નિયમો, સિદ્ધાંતો, પ્રથા, ડર, વહેમ કે અંધશ્રદ્ધાથી નથી કરવાના પરંતુ એવી રીતે કરવાના છે કે આપણી દૈનિક ક્રિયાનો એક ભાગ બને.
આખી વાત સમજી ગયા હોવ તો આ આર્ટિકલ શેર કરીને બીજા પાંચને સમજાવજો.
બોલો જય બહુચર માં.