⦿ જે અન્યની પીડા હરે છે તે “ઈશ્વર” છે. જે અન્યના હિત માટે પોતાનું બલિદાન આપે છે તે ઈશ્વર છે.જે પોતાના લોકોના રક્ષણ માટે હંમેશા તત્પર રહે છે તે ઈશ્વર છે. જે નકારાત્મક તત્વો સામે લડે છે તે ઈશ્વર છે. જે અન્યાય સામે ન્યાય કરે તે ઈશ્વર છે.આ પરમ ઈશ્વર પુરુષ રૂપે શિવ છે અને સ્ત્રી રૂપે શક્તિ છે જે મૂળ પરમેશ્વર છે.
⦿ સમુદ્રમંથન વખતે અમૃત દેવોના હિસ્સામાં આવ્યું પણ જે અસહ્ય પીડા આપનારું હળાહળ વિષ નીકળ્યું તે જગતના હિત માટે શિવજીએ પીધુ અને ગળામાં ધારણ કર્યું માટે તે નીલકંઠ કહેવાયા.શિવજીના ગળામાં વિષને થોભી રાખવા માં આદિ શકિત શિવના મુખમાં પ્રવેશીને જગત કલ્યાણ માટે શિવના સહભાગી થયા.તેઓ વિષથી નીલા ( કાળા ) પડી ગયા તેથી તેઓ નીલકંઠી અથવા કૌશિકી કહેવાયા.
⦿ પિતા દક્ષ રાજાના અહંકારનો નષ્ટ કરવા માટે અને પરમેશ્વર શિવનું મૂલ્ય સમજાવવા માટે સતી યજ્ઞકુંડમાં હોમાયા તેવું સહન ના થઈ શકે તેવું દુ:ખ શિવ અને શક્તિએ સહન કર્યું. શિવજી તે પછી તમામ વસ્તુઓનો ત્યાગ કરીને જંગલમાં જઈને અઘોર બની ગયા તે બધી પીડા હચમચાવી નાખે તેવી છે.
⦿ તારકાસુરનો વધ “શિવપુત્ર” જ કરી શકે તે માટે બધા દેવોએ સતીને યાદ કર્યા. સતી ફરીથી હિમાલયના ઘરે પાર્વતી રૂપે પ્રગટ થયા.તેમણે શિવને પામવા ઘણા વર્ષો સુધી તપ કર્યુ.શિવ પાર્વતીની આકરી તપસ્યાથી રાજી થયા.બંનેના વિવાહ થયા તે રાત્રિ મહાશિવરાત્રિ.
⦿ શિવપુત્ર કાર્તિકેયનો જન્મ થયો.તેમણે તારકાસુનો વધ કર્યૉ. શિવજીએ પોતાના પુત્ર ગણેશનું મસ્તક કાપી નાંખવું પડયું. સમય જતાં ગણેશજીના વિવાહ પહેલા કરાવી દેતા કાર્તિકેય નારાજ થતા.માતા-પિતાથી દૂર શૈલ પર્વત પર રહેવા ચાલી ગયા. આજે પણ પાર્વતીજી પૂનમે અને શિવજી અમાસે દીકરા કાર્તિકેયને મળવા જાય છે
⦿ તે ઉપરાંત મહાદેવ એટલા જ ભોળા કે કોઈ પણ દેવ કે દૈત્ય એમ ગમે તે કોઈ પણની ભક્તિથી પ્રસન્ન થઈને જે માંગે તે વરદાન આપી દેતા હતા. જયાં તે લોકો અહંકારમાં આવીને અન્ય લોકોને હેરાન કરતા. અરે તે છોડો ! ઘણીવાર તો મહાદેવજીએ આપેલા વરદાનથી જ મહાદેવજીનું અનિષ્ટ કરવા આવતા.તમને પેલી વાત તો યાદ છે ને કે એક ભસ્માસુર નામનો રાક્ષસ શિવ પાસેથી જ વરદાન પામ્યો હતો કે એ જેની ઉપર હાથ મૂકશે તે ભસ્મ થઈ જશે. તે વરદાન પામીને મૂર્ખ દૈત્ય શિવ પર જ હાથ મૂકવા માટે દોડયો હતો. રાવણને ત્રિલોક જીતી શકે તેવું બળ આપ્યું તો તે અહંકારી મૂર્ખે સૌથી પહેલા શિવે આપેલા બળને તપાસવા માટે આખો કૈલાસ હલાવ્યો.
⦿ આ બાજુ શક્તિ દેવો ઉપર આવી પડેલા સંકટોના નિવારણ માટે સતત મહિષાસુર,શુંભ નિશુંભ,રકતબીજ,ચંડ-મુંડ જેવા મહાભયાનક રાક્ષસો સામે યુદ્ધ કરીને અસહ્ય પીડા વેઠીને સૌ કોઈને નકારાત્મક તત્વોથી મુક્તિ અપાવીને તે લોકોનું રક્ષણ કર્યું.
⦿ તમે ધ્યાનથી જુઓ કે શિવ અને શક્તિ પરમેશ્વર છે.તેમણે પોતાના બાળકોને સુખ રૂપી સંસાર આપવા માટે તેમના જીવનમાં કેટલીય અસહ્ય પીડાઓ સહન કરી હતી. ઘણી વાર તેમના જીવનમાં ઘણી એવી વેદનાઓ અને યાતનાઓ સહન કરી કે આ સંસારને શીખ આપી શકે..
⦿ સમજવા જેવી એ વાત છે કે પરમાત્માને આટલી પીડા છે તો આપણા જેવા મનુષ્યોની શું વિસાત ? આપણે સંસાર નામના ચક્રમાં સુખદુ:ખ જ ભોગવવા આવ્યા છે જયાં ક્ષણિક સુખ છે.બાકી દુ:ખ જ દુ:ખ છે તે સ્વીકારી લેવું જોઈએ. આ દુ:ખોની પીડા હરનાર માત્ર પરમેશ્વર છે.
⦿ પરમેશ્વર શિવશક્તિ એવું ઈચ્છે છે કે આ પૃથ્વી પરના તમામ બાળકો અમારા છે. જો કોઈ બાળકને પીડા થાય છે તો અમને.દુ:ખ થાય છે.અમને તે સહન નથી થતું. અમે તેના કર્મબંધનને નથી ફેરવી શક્તા પણ અમે ઈચ્છીએ કે તે બાળક અમારી શરણે આવે..અમે તેની તમામ પીડાઓ હરીને તેને આ તમામ બંધનોમાંથી મુક્ત કરીશું…
⦿ તમને એમ લાગે છે કે શિવ હંમેશા ધ્યાનમાં રહે છે ? તે કોનું ધ્યાન કરે છે ? પરમેશ્વરને ધ્યાનમાં રહેવાની શું જરૂર ? તેનો ઉત્તર એમ છે કે શિવ સ્વમાં રહે છે. જે સ્વની ખોજ તરફ જાય છે તે શિવ બને છે. આ જીવ ત્યારે જ “શિવ” થશે જયારે “સ્વ’ ની અનૂભુતિ કરશે.
⦿ આટલું અઘરું લખેલું ના સમજાયું હોય તો સરળ શબ્દોમાં લખું કે ઈશ્વરે જે આપ્યું છે તેના આનંદમાં રહો. તમે ખુશ રહો અને બીજાને ખુશ રાખો.કોઈની ચુગલી,પંચાત કે નિંદા કરશો નહી. કોઈના માટે ઈર્ષ્યા કે દ્વેષ ભાવ બિલકુલ રાખશો નહી.કયારેય પણ કોઈનું ખોટું કરવાનું વિચારતા નહી.
⦿ હા સતત આગળ વધવાના પ્રયત્ન કરતા રહેજો પણ કોઈની પીડાને દૂર કરીને,કોઈને તમારાથી બનતી મદદ કરીને ખુશ રાખશો તો કયાંકને કયાંક તમે જ ઈશ્વરનું કાર્ય નિભાવી રહ્યા છો.તમે સમજી લેજો કે તમારા આ કાર્યથી ઈશ્વરને આનંદ પ્રાપ્ત થશે અને ઈશ્વરને આનંદ થશે તો તમને ભરપૂર આશીર્વાદ મળશે.
⦿ જે “શિવશક્તિ” મૂળ પરમેશ્વરની શરણમાં રહે છે તે જીવનની તમામ પીડાઓમાંથી મુક્ત થઈને નિજાનંદ ( નિજ + આનંદ = સ્વનો આનંદ ) પ્રાપ્ત કરે છે. આ સત્ય છે,સત્ય છે અને સત્ય છે.
હર હર મહાદેવ.
જય બહુચર માં.