“સત્વ હંમેશા નકારાત્મક તત્વોથી ઘેરાયેલું હોય છે,
જેનું નિરાકરણ “સત્વ” એનો સમય આવે ત્યારે કરે છે.”
ઉપરના આ વાકયને સમજવા માટે પહેલા સત્વ શું છે ? એ સમજવું બહુ જરૂરી છે.તો “સત્વ” એટલે શુદ્ધ અને સાત્વિક. ઈશ્વર ત્રિગુણાત્મક છે છતાં તેઓ રજો અને તમો ગુણથી ઉપર છે એટલે તે સત્વ છે. જે સત્વ છે તે ઈશ્વર છે.ઈશ્વરને માનનારા લોકોમાં ધીમે ધીમે સત્વ ગુણો આવે છે.વ્યક્તિ પોતાના ભક્તિબળથી રજો અને તમો ગુણની ઉપર વિજય મેળવે છે તેથી તે “સત્વ”ની નજીક પહોંચતો જાય છે.
હવે નકારાત્મક તત્વો કોને કહેવાય ? તો તમે ધ્યાન દોરજો ઘણા ધાર્મિક સ્થળોએ ગેરકાનૂની પ્રવૃત્તિ ચાલતી હોય છે અથવા તો તે ધાર્મિક સ્થળોએ મહિષાસુર કે દંઢાસૂર જેવા દૈત્યો પોતાનો અડ્ડો જમાવીને સત્વને અભડાવતા હોય છે અને સાત્વિક લોકોને દબાવવાની કે હેરાન કરવાની પ્રવૃત્તિ કરતા હોય છે.જો મંદિર બનતું હોય તો મંદિરના બાંધકામમાં રૂપિયા ચાંઉ કરી જાય. ધાર્મિક સ્થળે આવતા યાત્રાળુઓને હેરાન પરેશાન કરે.આમ બીજી અનેક રીતે નકારાત્મક તત્વો તેમનો પ્રભાવ વધુમાં વધુ બતાવતા હોય છે.તમને એમ થાય કે તીર્થ સ્થળે જ કેમ આવું થાય છે ? આવા નકારાત્મક તત્વોનું નિરાકરણ શું ?
જેમ પાપનો ઘડો ભરાય ત્યારે તેનો સર્વનાશ થાય છે તેમ નકારાત્મક તત્વોનું વિસર્જન ઈશ્વર સમય આવે ચોક્કસ કરે છે અને જરૂર કરે છે.તમે ઈતિહાસ ફેંદી લો,પાછલા કેટલાક ઉદાહરણો જોઈ લો.તમને કયાંક ને કયાંક એવું જાણવા મળશે કે આ ધાર્મિક સ્થળે આ પ્રકારની કુદરતી હોનારત થઈ……
આપણા સમાજમાં પણ કંઈક એવું છે.માંડ બિચારું કોઈ ધર્મ તરફ કે સત્વ તરફ વળ્યું હોય,સાત્વિક થવાનું પ્રયત્ન કરતું હોય અથવા ધાર્મિક કે સાત્વિક હોય,નકારાત્મક તત્વો કૂદકે ને ભૂસકે તેને હેરાન કરવા આવી જતા હોય છે.તમને એમ પણ થતું હશે કે આ વાતનું નિરાકરણ શું ?
એક વાત કરું શ્રી કૃષ્ણ ભગવાનની ! એકવાર શ્રી કૃષ્ણ ભગવાન જમતા હોય છે. શ્રી કૃષ્ણ ભગવાન જમતા જમતા ભોજન મૂકીને ઉભા થઈને દોડે છે અને દ્વાર પાસે જઈને પાછા આવી જાય છે. શ્રી રૂક્ષ્મણીજી પૂછે છે કે હે પ્રભુ ! તમે કેમ આમ કર્યુ ? કંઈ સમજાયું નહી.
શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે મારો એક ભક્ત એક ગામમાંથી મારું ભજન કરતો જતો હતો. તે ગામના બે ચાર હેવાનોએ મારા ભક્ત પર અચાનક પથ્થર મારવાનું ચાલું કરી દીધું. મને આ જોઈને અત્યંત પીડા થઈ. હું એની રક્ષા કરવા માટે દોડયો અને હજી તો મહેલના દ્વાર સુધી પહોંચ્યો ત્યાં મને માલૂમ પડયું કે મારા ભક્તે મારી પર વિશ્વાસ રાખ્યા વગર હાથમાં પથ્થર ઉઠાવીને તે લોકોને સામે મારવા લાગ્યો હતો તેથી હું નિરાશ થઈને પાછો આવતો રહ્યો.
આ વાર્તા પરથી શું સમજ્યા કે તમારે નકારાત્મક તત્વો સામે લડવાની જરૂર નથી. જો તમે પથ્થર નહી ઉઠાવો તો ઈશ્વર ( સત્વ ) તમારું અને તમારી “સાત્વિકતા” નું રક્ષણ કરવા જરૂર આવશે.
બોલો જય બહુચર માં.